Wednesday, November 23, 2011

ગીરના કનરા ડુંગરની સંધ્યા

જગતમાં ભાગ્યે જ એવો કોઈ સર્જક મળશે કે જેમણે ચોમાસા પર કંઈક ને કંઈક સર્જન ન કર્યું હોય. કોઈકે વાર્તા લખી હશે તો વળી કોઈકે નિબંધ, કવિતાઓનો તો પાર નથી. અંગ્રેજી ગીતો પણ વરસાદમાં ભીંજાયા વગર રહી શક્યાં નથી. સંસ્કૃત સાહિત્યની રસપ્રચુરતા જાણીતી છે. તો આપણું લોકસાહિત્ય કેમ બાકાત હોય? લોકસાહિત્યની કેટલીક માણવા જેવી રચનાઓ...
ગીરનું અડાબીડ જંગલ..
ચોમાસાનો માહોલ છે...
શ્રાવણ મહિનાની સાંજ પડવા આવી છે..
દૂર દૂર સુધી કોઈ માનવ વસતી નથી..
મોરલા ટહુકા કરે છે,
સિંહોની ડણક સંભળાય છે...
એ સમયે ત્યાંથી પસાર થનારા કોઈનાથી પણ એ વગડાનું વર્ણન કાગળ પર ઉતાર્યા વગર રહેવાતું નથી. એમાંય એ વટેમાર્ગુ કવિ દાદ હોય તો પછી શું કહેવાનું!
હા, ગીરના કનરા ડુંગરની સંધ્યા જોઈને કલમ ઉપાડી...
આભમાં ઊડે અબીલ ગુલાલ રે,
સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ
એણે એક રે ફૂલડું ઝબોળીને ફેંકીંયું રે લોલ
ત્યાં તો ધરતી આખી થઈ ગઈ રંગચોળ રે
લોલ.. સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ
ડુંગરડાની ટોચ્યું જાણે કેવી દીસતી રે લોલ
જાણે જોગીડાની જટામાં ગુલાલ રે... સંધ્યા
શ્યામલ વાદળીઓ કેવી શોભતી રે લોલ
હબસણના રંગ્યા જાણે હોઠ રે... સંધ્યા
હરિયા રૂખડા રે એવા રંગ ભર્યા રે લોલ..
વગડે જાણે વેલ્યુ હાલી જાય રે... સંધ્યા
છાતીએ સિંદૂરિયા થાપા શોભતા રે લોલ
સૂરજ જાણે ધિંગાણામાં જાય રે... સંધ્યા
ખોબલે ખોબલે સૂરજ વસુધાને સત ચડયાં રે લોલ
રજપૂતાણી બેઠી અગનજાળ રે... સંધ્યા
આભમાં ઊડે અબીલ ગુલાલ રે... સંધ્યા
કેવી લાગે છે શ્રાવણની એ સાંજ...
આકાશમાં કોઈએ અબીલ ગુલાલના ફુવારા છોડયા હોય એવો એનો દેખાવ છે. કવિએ એકથી એક ચઢિયાતાં રૂપક વાપરીને કવિતામાં જીવ રેડી દીધો છે. એણે એક રે ફૂલડું... એટલે કે ઈશ્વરે જાણે અબીલ ગુલાલમાં ફૂલડું ઝબોળી એને છંટકાવ કર્યો હોય એવી આકાશની આભા છે. છંટકાવ માત્રથી જ શરમથી લાલ થઈ હોય એવાં કલેવર ધરતી ધારણ કરે છે.
ડુંગરાની ટોચનું વર્ણન જુઓ... કોઈ જોગીની જટામાં ગુલાલનો છંટકાવ થયો હોય તેનું દર્શન કેવું હોય.. ડુંગરાની ટોચ્યું જાણે કેવી દીસતી...
સંધ્યા સમયે વાદળીઓ એકસામટી આકાશમાં ઉભરાઈ પડી હોય. સંધ્યાની લાલિમા વખતે કોઈ હબસણના હોઠ રંગી દીધા હોય એવો એનો દેખાવ છે.. રૂખડાનાં ફૂલ નમતી સાંજે જાણે વેલડાંમાં સવાર થઈને જંગલ વચ્ચેથી કોઈ જાન જઈ રહી હોય એવાં લાગે છે. એની છાતીએ સિંદૂરિયા થાપા જાણે શોભી રહ્યા હોય અને સૂરજ મહારાજ પોતે જ લડાઈના મોરચે ધિંગાણું કરવા જઈ રહ્યા હોય એવો માહોલ સર્જાયો છે.

No comments:

Post a Comment